Amrūt Kathā
← All stories
Rugved

અગસ્ત્ય — ભાગ ૧ ઘડો, ઋણ અને "વાતાપિ જીર્ણો ભવ"

અગત્સ્ય

ઋગ્વેદ, પુરાણ, રામાયણ મહાભારત સંગમ કથા14 min read
અગસ્ત્ય  — ભાગ ૧ ઘડો, ઋણ અને "વાતાપિ જીર્ણો ભવ"

વાતાપિ જીર્ણો ભવ

✦

Shown in Gujarati — the English translation is coming soon.

પ્રારંભ શરદઋતુની એક સાંજ હતી. નદીકિનારે આવેલી નાની વેદ-પાઠશાળામાં સંધ્યાનો દીવો પ્રગટ્યો હતો. આચાર્ય અગસ્ત્ય ઓસરીમાં બેઠા હતા. તેમની સામે સંસ્કૃતમાં અનુસ્નાતક અભ્યાસ કરતી શિષ્યા અપાલા બેઠી હતી. થોડી વાર પહેલાં સૌએ પાઠશાળામાં સાથે ભોજન કર્યું હતું. જમ્યા પછી આચાર્યજીએ પેટ પર હાથ ફેરવીને ધીમેથી "વાતાપિ જીર્ણો ભવ" કહ્યું હતું, અને અપાલાના મનમાં ત્યારથી એક પ્રશ્ન રમતો હતો. અપાલા: આચાર્યજી, એક વાત પૂછું? મારાં દાદી પણ જમ્યા પછી "વાતાપિ જીર્ણો ભવ" બોલતાં. મેં ક્યારેય પૂછ્યું નહીં કે એનો અર્થ શું. અને આજે બીજી વાત પણ ધ્યાનમાં આવી. આપનું નામ અગસ્ત્ય છે, અને આ વાક્ય પણ અગસ્ત્ય ઋષિનું જ છે ને? આચાર્ય: (હસીને) હા, બેટા. મારા પિતાએ મારું નામ ઋષિના સ્મરણમાં રાખ્યું હતું, જેમ તારાં માતા-પિતાએ તારું નામ ઋષિકા અપાલા પરથી રાખ્યું છે. જે ઋગ્વેદના આઠમા મંડળનાં એકાણુંમાં સૂક્તના દ્રષ્ટા છે. એટલે આજે બે નામધારીઓ મળીને બે ઋષિઓની વાત કરીએ, અગસ્ત્ય અને લોપામુદ્રાની, પણ એક શરત છે. અપાલા: કઈ? આચાર્ય: તું ફક્ત સાંભળીશ નહીં. જ્યાં વાત ગળે ન ઊતરે ત્યાં પ્રશ્ન કરજે, શંકા કરજે. આપણા ઉપનિષદો આ જ રીતે બન્યા છે. નચિકેતાએ યમને પ્રશ્ન કર્યા, ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને ભરી સભામાં પડકાર્યા. અને અર્જુને યુદ્ધાભુમીની વચ્ચે પ્રશ્નો કર્યા અને મહાન ગીતાનું સર્જન થયું, એટલે કે પ્રશ્ન વિના જ્ઞાન ફક્ત માહિતી રહે છે. અપાલા: તો પહેલો પ્રશ્ન જ એ છે, આચાર્યજી. આ કથાઓ સાચી છે, કે ફક્ત વાર્તા? આચાર્ય: સરસ શરૂઆત. યાસ્કાચાર્યનું નિરુક્ત વેદનો અર્થ ત્રણ સ્તરે કરવાની પરંપરા બતાવે છે: આધિભૌતિક, એટલે આ જગત અને શરીર સંબંધી; આધિદૈવિક, એટલે પ્રકૃતિની શક્તિઓ, આકાશ અને ઋતુ સંબંધી; અને આધ્યાત્મિક, એટલે મન અને આત્મા સંબંધી. આ કથાઓ એક સ્તરે વાર્તા છે, બીજા સ્તરે આકાશનું પંચાંગ, અને ત્રીજા સ્તરે મનનો નકશો. આજે જોઈએ કે એક જ કથામાં આ ત્રણે કેવી રીતે છુપાયેલાં છે.

પ્રશ્ન ૧: ઘડામાંથી જન્મ કેવી રીતે? આચાર્ય: શરૂઆત ઋષિના જન્મથી કરીએ. ઋગ્વેદના સાતમા મંડળના તેત્રીસમા સૂક્તમાં, મંત્ર દસથી તેર સુધીમાં, એક વિચિત્ર વાત આવે છે. મિત્ર અને વરુણ દેવોનું તેજ, ઉર્વશીના દર્શનથી, એક યજ્ઞ-કુંભમાં પડ્યું. એ કુંભમાંથી બે ઋષિ જન્મ્યા, વસિષ્ઠ અને અગસ્ત્ય. પાછળથી મત્સ્ય પુરાણ અને શૌનકના બૃહદ્દેવતામાં આ કથા વિસ્તારથી આવે છે. અપાલા: આચાર્યજી, ઘડામાંથી માણસ જન્મે? આ તો અશક્ય છે. આચાર્ય: શબ્દશઃ લઈએ તો અશક્ય જ છે. પણ પહેલાં જો કે મિત્ર અને વરુણ કોણ છે. મિત્ર એટલે દિવસ, સૂર્યપ્રકાશ અને મૈત્રી. વરુણ એટલે રાત્રિ, જળ અને ઋત, બ્રહ્માંડનો નિયમ. હવે કહે, કુંભ શેના માટે હોય? અપાલા: જળ ભરવા માટે. આચાર્ય: તો આ કથા શું કહે છે? જે ઋષિ પ્રકાશ અને જળના મિલનમાંથી, જળના પાત્રમાંથી જન્મે છે, તેમની આખી જીવનકથા જળની કથા બને છે. અગસ્ત્ય સમુદ્ર પીએ છે. દક્ષિણની પરંપરામાં કાવેરીને કમંડળમાં રાખે છે. અને આકાશમાં તારો બનીને ચોમાસા પછી જળને નિર્મળ કરે છે. એ બધું આપણે ત્રીજા દિવસે જોઈશું. અપાલા: તો "કુંભયોનિ" નામ પોતે જ એક સંકેત છે. આચાર્ય: બરાબર. અને એક બીજો સંકેત પણ જો. ઋગ્વેદમાં અગસ્ત્યનાં સત્તાવીસ સૂક્તો છે, પહેલા મંડળમાં ૧૬૫થી ૧૯૧ સુધી. એમાંથી એકવીસ સૂક્તો એક જ પ્રાર્થનાથી પૂરાં થાય છે: દરેક સમુદાયને અન્ન અને જીવંત જળ મળે. જેનો જન્મ જળપાત્રમાંથી થયો, તેમની પ્રાર્થના પણ જળની છે. અપાલા: અને "અગસ્ત્ય" નામનો અર્થ? આચાર્ય: વાલ્મીકિ રામાયણના અયોધ્યાકાંડમાં એક લોક-વ્યુત્પત્તિ મળે છે. અગ એટલે પર્વત, જે અચળ છે, અને ગમ્ એટલે ગતિ. એટલે અગસ્ત્ય એટલે અચળને પણ ખસેડનાર. એમણે વિંધ્ય પર્વતને નમાવ્યો, એ કથા નામમાં જ સમાયેલી છે. (શાસ્ત્રીય વ્યાકરણ પ્રમાણે વ્યુત્પત્તિ જુદી હોઈ શકે, પણ કથા-પરંપરાએ આ અર્થ પસંદ કર્યો છે, એ જ મહત્ત્વનું છે.)

પ્રશ્ન ૨: પિતૃઓ ઊંધા કેમ લટકતા હતા? આચાર્ય: હવે મૂળ કથા. એ મહાભારતના વનપર્વમાં, તીર્થયાત્રા પર્વમાં છે, અધ્યાય ૯૬થી ૯૯. વનવાસ દરમિયાન પાંડવો તીર્થયાત્રા કરે છે, અને લોમશ ઋષિ યુધિષ્ઠિરને આ કથા કહે છે. એટલે આપણે હજારો વર્ષ પહેલાં યુધિષ્ઠિરે જે સાંભળ્યું, તે જ સાંભળી રહ્યાં છીએ. અગસ્ત્ય તપસ્વી હતા, એમણે એક દિવસ વનમાં એક ખાડામાં કેટલાક વૃદ્ધોને માથું નીચે અને પગ ઉપર એમ ઊંધા લટકતા જોયા. પૂછ્યું તો વૃદ્ધો બોલ્યા, "અમે તારા પિતૃઓ છીએ. તું સંતાન ઉત્પન્ન નહીં કરે, ત્યાં સુધી અમારી આ દશા રહેશે." અપાલા: આચાર્યજી, અહીં મને વાંધો છે. ઋષિ તપ કરતા હતા, કોઈનું ખરાબ નહોતા કરતા. તો સજા પિતૃઓને કેમ? અને સંતાન ન હોય તો પિતૃઓ દુઃખી થાય, એ વાત આજે કેટલી યોગ્ય ગણાય? આચાર્ય: તારો વાંધો વાજબી છે, અને એટલે જ ગૂઢાર્થ જોવો પડે. તૈત્તિરીય સંહિતા અને શતપથ બ્રાહ્મણમાં ત્રણ ઋણની વાત છે. માણસ દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ લઈને જન્મે છે. પિતૃઋણનો ઊંડો અર્થ શું? જે આપણને પૂર્વજો પાસેથી મળ્યું, જીવન, ભાષા, જ્ઞાન, સંસ્કાર, તે આગલી પેઢી સુધી પહોંચાડવું. હવે ઊંધા લટકવાનું ચિત્ર જો. ઝાડનાં મૂળ નીચે હોય, ફળ ઉપર. જો ધારા અટકી જાય, બીજ આગળ ન વાવાય, તો આખું વૃક્ષ ઊંધું થઈ જાય. એકલો સાધક ગમે તેટલો મહાન બને, પણ જ્ઞાન તેની સાથે જ સમાપ્ત થાય, તો પરંપરા ઊંધી લટકે છે. અપાલા: એટલે "સંતાન" ફક્ત દીકરો નહીં, પણ જ્ઞાનનો વારસદાર પણ હોઈ શકે? આચાર્ય: તેં જાતે જ કહ્યું. આપણા ઋષિઓની પરંપરામાં શિષ્ય પણ સંતાન જ ગણાય. ગુરુ-પરંપરા ને "વંશ" જ કહે છે. છતાં કથા ગૃહસ્થ જીવનને નકારતી નથી. આ કથામાં સંન્યાસી ઋષિ પણ પોતાનો ગૃહસ્થ ધર્મ નિભાવે છે. એ સંતુલનની વાત આગળ આવશે.

પ્રશ્ન ૩: લોપામુદ્રાને "સર્જવામાં" આવ્યાં? આચાર્ય: અગસ્ત્યે વચન તો આપ્યું, પણ પોતાને યોગ્ય કોઈ સ્ત્રી દેખાઈ નહીં. એટલે વનપર્વ કહે છે કે એમણે સૃષ્ટિના દરેક જીવમાંથી સૌથી સુંદર અંશ લીધો, જેમ કે હરણની આંખો વગેરે, અને એમાંથી એક કન્યા સર્જી. એને સંતાન માટે તપ કરતા વિદર્ભરાજને ત્યાં જન્મ લેવા મોકલી. બ્રાહ્મણોએ નામ પાડ્યું લોપામુદ્રા. અપાલા: (નોટબુક બંધ કરીને) આચાર્યજી, આ વાત મને ખટકે છે. એક પુરુષ પોતાને માટે પત્ની "બનાવે", જાણે કોઈ વસ્તુ હોય. અને એનું નામ પણ સૌંદર્ય પરથી? લોપામુદ્રાની ઓળખ ફક્ત એ જ? આચાર્ય: (ગંભીર થઈને) આ પ્રશ્ન પૂછવો જરૂરી છે, અપાલા. અને જવાબ બે ભાગમાં છે. પહેલો ભાગ: "લોપ-મુદ્રા" શબ્દ જો. લોપ એટલે અદૃશ્ય થવું, મુદ્રા એટલે છાપ, મહોર. પરંપરાગત અર્થ છે કે એના સૌંદર્ય સામે બીજાનું સૌંદર્ય લોપ પામતું. પણ તંત્ર-દૃષ્ટિએ એક ઊંડો અર્થ વિચારી શકાય: જેમાં બધી વ્યક્તિગત છાપ ઓગળી જાય, એવી ચેતના. આ મારું અને તંત્ર-પરંપરાનું અર્થઘટન છે, ગ્રંથનું શબ્દશઃ વચન નથી. એ ભેદ યાદ રાખજે. અને "સૃષ્ટિના દરેક જીવમાંથી એક અંશ"નો અર્થ એ પણ થાય કે સ્ત્રી-શક્તિ સમગ્ર સૃષ્ટિનો સાર છે. આ જ વિચાર પાછળથી શાક્ત પરંપરામાં દેવીના સ્વરૂપમાં વિકસ્યો. ત્યાં દેવી દરેક દેવના તેજમાંથી પ્રગટે છે. બીજો ભાગ, અને એ વધુ મહત્ત્વનો: લોપામુદ્રાની ઓળખ સૌંદર્ય નથી. એ ઋગ્વેદનાં મંત્રદ્રષ્ટા ઋષિકા છે. પહેલા મંડળના ૧૭૯મા સૂક્તના પહેલા બે મંત્ર એમના છે. અને શ્રીવિદ્યાની એક આખી પરંપરા એમના નામે ચાલે છે. એ વાત માટે કાલનો આખો દિવસ રાખ્યો છે. અપાલા: તો મહાભારતની કથા એમને જે રીતે બતાવે છે, તે અધૂરું ચિત્ર છે? આચાર્ય: એક જ ગ્રંથથી કોઈ વ્યક્તિનું પૂરું ચિત્ર ન મળે. પણ મહાભારતમાં પણ ધ્યાનથી વાંચ, તો આગળ જે થાય છે તેમાં લોપામુદ્રા ફક્ત સુંદર નથી, બુદ્ધિમાન પણ છે. ચાલ, જોઈએ.

પ્રશ્ન ૪: ઋષિકા ઘરેણાં કેમ માંગે? આચાર્ય: લોપામુદ્રા યુવાન થયાં, અને અગસ્ત્યે વિદર્ભરાજ પાસે એમનો હાથ માંગ્યો. રાજા મૂંઝાયા. એક તરફ મહેલમાં ઊછરેલી દીકરી, બીજી તરફ વલ્કલધારી તપસ્વી. ના પાડે તો શાપનો ભય. ત્યારે લોપામુદ્રાએ પોતે નિર્ણય લીધો: "પિતાજી, મને મહર્ષિને સોંપી દો." લગ્ન પછી એમણે રેશમી વસ્ત્રો છોડ્યાં, વલ્કલ ધારણ કર્યાં, અને ગંગાદ્વાર, એટલે આજના હરિદ્વારમાં, પતિ જેટલું જ કઠોર તપ કર્યું. આ વનપર્વના ૯૭મા અધ્યાયમાં છે. અને ૧૩૦મા અધ્યાયમાં એક નાની નોંધ છે કે એમનો વિવાહ મહાસિંધુતીર્થમાં થયો હતો. વર્ષો પછી અગસ્ત્યે એમને પાસે બોલાવ્યાં. ત્યારે લોપામુદ્રાએ એક શરત મૂકી: "મારા પિતાના મહેલ જેવી શય્યા, અને આપ તથા હું બંને આભૂષણોથી શોભતાં હોઈએ, ત્યારે જ." અપાલા: (હસીને) આચાર્યજી, આ તો સાવ વિરોધાભાસ છે! જે સ્ત્રીએ રાજમહેલ છોડ્યો, વર્ષો સુધી તપ કર્યું, એ ઘરેણાં માંગે? અને આપ એમને ઋષિકા કહો છો? આચાર્ય: તારું હસવું વાજબી છે, પણ શરતનું કારણ સાંભળ. લોપામુદ્રાએ કહ્યું, "તપનાં આ પવિત્ર વલ્કલ વસ્ત્રોને હું ભોગથી અપવિત્ર કરવા માંગતી નથી." અપાલા: ઓહ... આચાર્ય: હવે આગળનો સંવાદ સાંભળ. અગસ્ત્ય બોલ્યા, "તપોબળથી હું ધન ઉત્પન્ન કરી શકું, પણ તેથી મારું તપ ક્ષીણ થાય." અને લોપામુદ્રાએ જવાબ આપ્યો, "તો તપનો નાશ ન થાય, એ રીતે ધન મેળવો." અપાલા: એટલે એ ઘરેણાં નહોતાં માંગતાં. એ બે જગતને અલગ રાખતાં હતાં. આચાર્ય: બરાબર. તપ તપની જગ્યાએ, ગૃહસ્થ જીવન તેની જગ્યાએ. એકને બીજું ખાઈ ન જાય. અને લોપામુદ્રા અહીં પતિના તપની રખેવાળ છે. ઋષિ પોતે તપ વાપરી નાખવા તૈયાર હતા, પણ પત્નીએ રોક્યા. ધર્મ, અર્થ અને કામ, આ ત્રણ પુરુષાર્થ સાથે ચાલે, પણ ધર્મને કોઈ ખાઈ ન જાય. આ જ ગૃહસ્થાશ્રમનો સાર છે. અપાલા: અને આ જ વાત ઋગ્વેદના સૂક્તમાં પણ છે? આચાર્ય: ૧.૧૭૯માં, હા. ત્યાં લોપામુદ્રા પોતાના શબ્દોમાં, પોતાની દલીલથી આ વાત મૂકે છે. કાલે એક એક મંત્ર સાથે વાંચીશું.

પ્રશ્ન ૫: ઋષિ ધન માંગવા જાય? આચાર્ય: અગસ્ત્ય ધન મેળવવા નીકળ્યા. પહેલા ગયા રાજા શ્રુતર્વા પાસે. રાજાએ સ્વાગત કરીને પૂછ્યું, "શું આજ્ઞા છે?" અને ઋષિએ શરત મૂકી: "એવું ધન આપો જે લેવાથી કોઈ જીવને પીડા ન થાય. તમારી આવક અને ખર્ચનો હિસાબ બતાવો." અપાલા: ઋષિ રાજાના ચોપડા તપાસે? આચાર્ય: (હસીને) હા, આજના ઑડિટરની જેમ! રાજાએ હિસાબ બતાવ્યો. જેટલી આવક, બરાબર એટલો જ ખર્ચ, અને એ પણ પ્રજા માટે. વધારાનું કંઈ નહીં. અગસ્ત્યે એક કોડી પણ ન લીધી. પછી બ્રધ્નશ્વ પાસે ગયા, પછી ત્રસદસ્યુ પાસે. બધે એ જ સ્થિતિ. આ વનપર્વનો ૯૮મો અધ્યાય છે. અપાલા: આચાર્યજી, આમાં ગૂઢાર્થ શું? આ તો સીધી વાત લાગે છે. આચાર્ય: સીધી છે, પણ ઊંડી છે. આ પ્રાચીન ભારતનું રાજ્ય-અર્થશાસ્ત્ર છે. ધર્મી રાજાની તિજોરીમાં "વધારાનું" કશું હોતું નથી, કારણ કે પ્રજા પાસેથી જે આવે તે પ્રજાને જ પાછું જાય. અને ઋષિ ગમે તેટલા મોટા હોય, પ્રજાનો હક તેઓ પણ ન લઈ શકે. ત્રણ વાર ખાલી હાથે પાછા ફરવું પડ્યું, પણ સિદ્ધાંત ન છોડ્યો. અંતે ત્રણે રાજાઓએ મળીને કહ્યું, "મહર્ષિ, અઢળક ધન તો એક જ પાસે છે, દૈત્ય ઇલ્વલ પાસે. એની પાસેથી લેવામાં કોઈ પાપ નથી." ધન લેવું હોય તો ત્યાંથી લો, જ્યાં તે અધર્મથી ભેગું થયું હોય. અપાલા: અને ત્યાંથી વાતાપીની વાત આવે છે! આચાર્ય: હવે આવી આપણી મૂળ વાત.

પ્રશ્ન ૬: વાતાપી પેટમાંથી પાછો કેમ ન આવ્યો? આચાર્ય: મણિમતી નગરીમાં ઇલ્વલ નામનો દૈત્ય અને તેનો નાનો ભાઈ વાતાપી રહેતા. વનપર્વના ૯૬મા અધ્યાયમાં ઇલ્વલના વેરનું કારણ પણ આપ્યું છે. એણે એક તપસ્વી બ્રાહ્મણ પાસે માંગ્યું હતું, "મને ઇંદ્ર જેવો પરાક્રમી પુત્ર આપો." બ્રાહ્મણે ના પાડી. બસ, ત્યારથી એ બ્રાહ્મણોનો વેરી બન્યો. ઇલ્વલ પાસે એક માયા હતી. એ જેનું નામ લઈને બોલાવે, તે યમલોકમાંથી પણ પાછો આવે. વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડ, સર્ગ ૧૧માં, રામ અગસ્ત્યના આશ્રમે જાય છે ત્યારે આ જ કથા કહેવાય છે. ત્યાં ઉમેર્યું છે કે ઇલ્વલ ઋષિનો વેશ ધારણ કરતો અને શુદ્ધ સંસ્કૃત બોલતો. કોઈ બ્રાહ્મણ પસાર થાય તો અતિ આદરથી શ્રાદ્ધ-ભોજન માટે બોલાવતો. વાતાપી ઘેટો બનતો. ઇલ્વલ તેને રાંધીને પીરસતો. ભોજન પૂરું થાય, એટલે ઇલ્વલ બૂમ પાડતો: "વાતાપે, નિષ્ક્રમસ્વ!" (વાતાપી, બહાર આવ!) અને વાતાપી અતિથિનું પેટ ફાડીને હસતો હસતો બહાર નીકળતો. અપાલા: ભયાનક ! અને પછી અગસ્ત્ય ત્યાં ગયા ? આચાર્ય: ત્રણે રાજાઓ સાથે. ઇલ્વલે ખૂબ સ્વાગત કર્યું. ઘેટું રંધાયું, થાળી પીરસાઈ. રાજાઓ ધ્રૂજતા હતા, એ રહસ્ય જાણતા હતા. પણ અગસ્ત્ય બોલ્યા, "તમે ચિંતા ન કરો. આ બધું હું એકલો જ જમીશ." અને એક કણ પણ છોડ્યા વિના જમી ગયા. ઇલ્વલે બૂમ પાડી, "વાતાપી, બહાર આવ!" કંઈ ન થયું. ફરી બૂમ. મૌન. ત્યારે અગસ્ત્યે પેટ પર હાથ ફેરવીને હસતાં કહ્યું, "એ બહાર કેવી રીતે આવે, ઇલ્વલ? મેં એને પચાવી દીધો છે." આ સંવાદ વનપર્વના ૯૯મા અધ્યાયના આઠમા-નવમા શ્લોકમાં છે. અપાલા: (થોડું વિચારીને) આચાર્યજી, મને આ સમજાતું નથી. વાતાપી બીજા બધાના પેટમાંથી બહાર આવતો, તો અગસ્ત્યના પેટમાંથી કેમ નહીં? ફક્ત "ઋષિ મહાન હતા" એટલું જ? આચાર્ય: ના. આ જ આખી કથાની ચાવી છે. ધ્યાનથી સાંભળ. આ કથામાં ચાર સ્તર છે. પહેલું સ્તર: શરીર, આયુર્વેદ. "વાતાપી" શબ્દ જો. એમાં "વાત" છે. આયુર્વેદના ત્રણ દોષમાંનો વાયુ દોષ. ખોરાક બરાબર ન પચે, તો વાયુ પેટમાં તોફાન મચાવે, જાણે પેટ ફાડીને બહાર આવવા માંગે. અગસ્ત્ય એટલે પ્રબળ જઠરાગ્નિ. જે અગ્નિ વાયુને પણ પચાવી દે. એટલે જ લોકપરંપરામાં જમ્યા પછી આ શ્લોક બોલાય છે: अगस्त्यं कुम्भकर्णं च शनिं च वडवानलम्। आहारपरिपाकार्थं स्मरेद् भीमं च पञ्चमम्॥ અગસ્ત્ય, કુંભકર્ણ, શનિ, વડવાનલ, એટલે સમુદ્રમાંનો અગ્નિ, અને ભીમ. આ પાંચેય "મહા-ભોજી" છે. એમનું સ્મરણ કરો તો ભોજન પચે. તારાં દાદી જે બોલતાં, એ આ જ. અપાલા: એટલે દાદીમા આયુર્વેદ બોલતાં હતાં, અને ખબર પણ નહોતી! આચાર્ય: આ જ તો આપણી પરંપરાની ખૂબી છે. જ્ઞાન વાર્તા બનીને રસોડા સુધી પહોંચ્યું. બીજું સ્તર: મન, અધ્યાત્મ. હવે તારો પ્રશ્ન. વાતાપી બીજાના પેટમાંથી કેમ બહાર આવતો? કારણ કે બીજા એને ફક્ત ખાતા હતા, પચાવતા નહોતા. ધાર કે તને ગુસ્સો આવ્યો, અને તેં એને દબાવી દીધો. એ ગયો? અપાલા: ના. અંદર બેઠો રહે. આચાર્ય: અડધો પચેલો. હવે કોઈ જરાક ઉશ્કેરે, એટલે ઇલ્વલ બૂમ પાડે, "વાતાપી, બહાર આવ!" અને એ ગુસ્સો, એ વાસના, એ જૂની આદત, ફરી પેટ ફાડીને બહાર આવે. ઉપર-ઉપરથી કરેલો ત્યાગ આવો જ છે. સાચી સાધના વાસનાને "જીર્ણ" કરે છે, મૂળમાંથી ઓગાળે છે. પછી માયા ગમે તેટલી બૂમો પાડે, અંદરથી જવાબ આપનાર જ નથી રહેતો. અને જો, ઇલ્વલની આખી શક્તિ "બોલાવવાની" હતી. જ્યાં સાંભળનાર જ ન રહે, ત્યાં એ શક્તિ નકામી. અગસ્ત્યનું હસવું એ જ્ઞાનીની નિર્ભયતા છે. અપાલા: (ધીમેથી) "વાતાપિ જીર્ણો ભવ." એ ફક્ત ખોરાક માટે નથી... આચાર્ય: ...એ દરેક દોષ માટે છે. ત્રીજું સ્તર: સમાજ, ધર્મ. ઇલ્વલનું પાપ ફક્ત હત્યા નહોતું. એણે ભારતની સૌથી પવિત્ર પ્રથા, આતિથ્યને હથિયાર બનાવ્યું. "અતિથિ દેવો ભવ" કહેનારી સંસ્કૃતિમાં અતિથિને જ મારવો. અને એ ઋષિના વેશમાં, સંસ્કૃત બોલીને. એટલે કથા ચેતવે છે: વેશ અને ભાષા પરથી ધર્મ ન ઓળખાય. અને એક નાની વિગત, જે ઘણા ભૂલી જાય છે. આખી કથાનું મૂળ શું હતું? અપાલા: ન મળેલું વરદાન. ઇંદ્ર જેવો પુત્ર. આચાર્ય: હા. અધૂરી ઇચ્છાનું વેર. એક "ના" સાંભળીને જે મન ઝેરથી ભરાય, તે ધીમે ધીમે દૈત્ય બને છે. ચોથું સ્તર: ઇતિહાસ. આ સાંભળીને તને આશ્ચર્ય થશે. કર્ણાટકમાં બાદામી નામનું નગર છે. એનું પ્રાચીન નામ હતું "વાતાપી". ચાલુક્ય રાજાઓની રાજધાની. ત્યાં આજે પણ ૭મી સદીનું "અગસ્ત્ય તીર્થ" તળાવ છે. ઈ.સ. ૬૪૨માં પલ્લવ રાજા નરસિંહવર્મને વાતાપી જીત્યું. પલ્લવોનાં કૂરમ્ તામ્રપત્રોમાં લખ્યું છે કે એણે વાતાપીનો નાશ એ રીતે કર્યો, જેમ અગસ્ત્યે દૈત્ય વાતાપીનો કર્યો હતો. અને રાજાએ બિરુદ ધારણ કર્યું, "વાતાપિકોંડ", વાતાપીનો વિજેતા. અપાલા: એટલે રાજા પોતાને અગસ્ત્ય કહેતો હતો! આચાર્ય: કથા એટલી જાણીતી હતી કે રાજકીય પ્રચારમાં વપરાઈ. અને મૌખિક પરંપરા કહે છે કે ત્યાંથી એક ગણપતિની મૂર્તિ તમિળનાડુ લવાઈ, "વાતાપી ગણપતિ". એના પર મુત્તુસ્વામી દીક્ષિતરે "વાતાપિ ગણપતિં ભજેઽહં" કૃતિ રચી, જે આજે પણ કર્ણાટકી સંગીતમાં ગવાય છે. અપાલા: પણ આચાર્યજી, મૂર્તિની વાત માટે પુરાવો છે? આચાર્ય: (પ્રસન્ન થઈને) શાબાશ, આ જ પ્રશ્ન જોઈએ. લેખિત પુરાવો નથી. એ મૌખિક પરંપરા છે. તામ્રપત્રો અને બિરુદ ઐતિહાસિક છે, પણ મૂર્તિ લાવ્યાની વાત પરંપરા છે. આ ભેદ જાળવવો એ જ પ્રામાણિકતા છે. અપાલા: અને ઇલ્વલનું શું થયું? આચાર્ય: અહીં બે ગ્રંથ જુદું કહે છે. મહાભારત પ્રમાણે ભયભીત ઇલ્વલે ધન આપ્યું. દરેક રાજાને દસ હજાર ગાયો અને સુવર્ણ, અગસ્ત્યને બમણું, અને સાથે વિરાવ અને સુરાવ નામના મનોવેગી અશ્વોવાળો સુવર્ણ રથ. રામાયણ પ્રમાણે ભાઈના મૃત્યુથી ક્રોધિત ઇલ્વલ અગસ્ત્ય પર ધસી આવ્યો, અને ઋષિની એક દૃષ્ટિથી ભસ્મ થયો. અપાલા: બે જુદા અંત? તો સાચો કયો? આચાર્ય: બંને પરંપરા છે. એક જ કથા જુદા ગ્રંથમાં જુદો સંદેશ આપવા વપરાઈ. મહાભારતમાં સંદેશ છે કે અધર્મનું ધન ધર્મના કામમાં આવે. રામાયણમાં સંદેશ છે કે અધર્મનો અંત નિશ્ચિત છે. આપણે બંને સાચવીએ, એકને બીજા પર લાદીએ નહીં.

પ્રશ્ન ૭: હજાર પુત્ર કે એક? આચાર્ય: હવે કથાનો અંત. અગસ્ત્યે ધન લાવીને લોપામુદ્રાની દરેક ઇચ્છા પૂરી કરી. પછી એમને વિકલ્પ આપ્યો. વનપર્વના ૯૯મા અધ્યાયના એકવીસમા શ્લોકમાં: "તને શું જોઈએ? હજાર પુત્રો? કે સો, જે દરેક દસ સમાન હોય? કે દસ, જે દરેક સો સમાન હોય? કે એક જ, જે હજારને જીતે?" અપાલા: મને લાગે છે, હું જવાબ જાણું છું. આચાર્ય: બોલ. અપાલા: એક જ. જેણે ઘરેણાં માંગવામાં પણ તપની મર્યાદા જાળવી, એ સંખ્યા નહીં માંગે. આચાર્ય: (સ્મિત સાથે) બરાબર. લોપામુદ્રાએ કહ્યું, "અનેક દુર્ગુણી પુત્રો કરતાં એક ગુણવાન પુત્ર શ્રેષ્ઠ." સાત વર્ષ ગર્ભમાં રહીને એક તેજસ્વી બાળક જન્મ્યું, જે જન્મતાં જ વેદમંત્રો બોલતું હતું. નામ દૃઢસ્યુ. એ પિતાના યજ્ઞ માટે સમિધ, એટલે ઇધ્મ, લાવતો. એટલે લોકો એને ઇધ્મવાહ કહેતા. અપાલા: "ઇધ્મવાહ", યજ્ઞનો અગ્નિ ચાલુ રાખનાર. એટલે... આચાર્ય: ...પરંપરાનો વાહક. જ્ઞાનનો અગ્નિ આગલી પેઢી સુધી પહોંચાડનાર. અને એ જ ક્ષણે, પેલા ઊંધા લટકતા પિતૃઓ મુક્ત થયા. અપાલા: (નોટબુકમાં કંઈક લખતાં) કથા જ્યાંથી શરૂ થઈ, ત્યાં જ પૂરી થઈ. પિતૃઋણથી શરૂ, ઇધ્મવાહ પર પૂરી. વચ્ચે તપ અને ગૃહસ્થનું સંતુલન, ધર્મી અને અધર્મી ધન, અને દોષને પચાવવાની વાત. આચાર્ય: તેં આખી કથાનો સાર એક શ્વાસમાં કહી દીધો. અને સાત વર્ષનો ગર્ભકાળ ભૂલતી નહીં. મહાન સર્જન ઉતાવળથી થતું નથી.

દીવાની જ્યોત ધીમી પડી હતી. અપાલાએ પોથી બંધ કરી, પણ ઊભી ન થઈ. અપાલા: આચાર્યજી, આજે એક વાત અધૂરી રહી ગઈ. આપે કહ્યું કે લોપામુદ્રા ઋષિકા હતાં, મંત્રદ્રષ્ટા હતાં, અને શ્રીવિદ્યાની પરંપરા એમના નામે છે. પણ આજની આખી કથામાં તો એ પત્ની અને માતા તરીકે જ દેખાયાં. આચાર્ય: એટલે જ કાલનો દિવસ એમનો છે. કાલે આપણે ઋગ્વેદનું ૧૭૯મું સૂક્ત ખોલીશું. ત્યાં લોપામુદ્રા કોઈ વાર્તાકારના મુખે નહીં, પોતાના શબ્દોમાં બોલે છે. અને પહેલો શબ્દ જ સાંભળીને તું ચોંકી જઈશ. અપાલા: કયો શબ્દ? આચાર્ય: (ઊભા થતાં) "હું થાકી ગઈ છું." વધુ આવતી કાલ માટે રાખીએ. અપાલા હસી પડી. જતાં જતાં એણે પેટ પર હાથ ફેરવ્યો અને ધીમેથી બોલી, "વાતાપિ જીર્ણો ભવ." આ વખતે એ શબ્દો રસોડાના નહોતા, સાધનાના હતા. ________________________________________ આગળ વાંચો → ભાગ ૨: "હું થાકી ગઈ છું" — ઋષિકા લોપામુદ્રા અને શ્રીવિદ્યા ________________________________________ આ ભાગના સંદર્ભ વિષય મૂળ સ્રોત કુંભજન્મ ઋગ્વેદ ૭.૩૩.૧૦–૧૩; મત્સ્ય પુરાણ; બૃહદ્દેવતા અગસ્ત્યનાં સૂક્તો, જળ-પ્રાર્થના ઋગ્વેદ ૧.૧૬૫–૧.૧૯૧ અપાલાનું સૂક્ત ઋગ્વેદ ૮.૯૧ નામની વ્યુત્પત્તિ વાલ્મીકિ રામાયણ, અયોધ્યાકાંડ ૨.૧૧ ત્રણ ઋણ તૈત્તિરીય સંહિતા ૬.૩.૧૦.૫; શતપથ બ્રાહ્મણ ૧.૭.૨.૧–૫ પિતૃઓ, લોપામુદ્રાનું સર્જન, ઇલ્વલનું વેર મહાભારત, વનપર્વ, અધ્યાય ૯૬ વિવાહ અને લોપામુદ્રાની શરત વનપર્વ, અધ્યાય ૯૭; વિવાહ-સ્થાન વનપર્વ ૧૩૦.૫ શ્રુતર્વા, બ્રધ્નશ્વ, ત્રસદસ્યુ વનપર્વ, અધ્યાય ૯૮ વાતાપીનો અંત, ઇલ્વલનું દાન, પુત્રજન્મ વનપર્વ, અધ્યાય ૯૯ (શ્લોક ૮–૯, ૨૧) ઇલ્વલનો વેશ અને રામાયણનો અંત વાલ્મીકિ રામાયણ, અરણ્યકાંડ, સર્ગ ૧૧ વાતાપી = બાદામી, "વાતાપિકોંડ" પલ્લવ કૂરમ્ તામ્રપત્રો (૭મી સદી) પાચનનો શ્લોક લોકપરંપરા વાતાપી ગણપતિની મૂર્તિ મૌખિક પરંપરા (લેખિત પુરાવો નથી) નોંધ: ઋણત્રય માટેના તૈત્તિરીય અને શતપથના ચોક્કસ ક્રમાંક પ્રકાશન પહેલાં મૂળ ગ્રંથ સાથે ચકાસી લેવા.

Reflections

Leave a reflection

Your name and words appear below. Your email is kept private and never shown.